હાઈકોર્ટો માટે સુપ્રીમ કોર્ટની કડક ગાઈડલાઈન: ૩ મહિનામાં અનામત ચુકાદા આપવા પડશે, જામીન ઓર્ડર બીજા જ દિવસે અપલોડ કરવા ફરજિયાત
સુપ્રીમ કોર્ટે દ્વારા દેશભરની વિવિધ હાઇકોર્ટોમાં રિઝર્વ કે અનામત રખાયેલા ચુકાદાઓ લાંબા સમય સુધી જાહેર નહીં કરવાની કે તેમાં નિર્ણય નહીં આપવાની વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે દેશની તમામ હાઇકોર્ટોને ઉદ્દેશીને બહુ મહત્વના નિર્દેશો જારી કર્યા હતા અને હવેથી નિયત સમયમર્યાદામાં રિઝવં કે અનામત રખાયેલા ચુકાદા, જામીન અરજીઓ સહિતના સંબંધિત કેસોમાં ચુકાદાઓ જાહેર કરી દેવાનું ફરમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટો માટે બંધનકર્તા નિર્દેશો જારી કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, હાઇકોર્ટોએ રિઝર્વ કે અનામત રાખેલા ચુકાદાઓ વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર જાહેર કરી દેવા પડશે. તો, જામીન અરજીઓમાં સુનાવણી પૂરી થશે ચુકાદો શકય હોય તો એ જ દિવસે જાહેર કરી દેવાનો રહેશે અને જો રિઝર્વ રખાય તો બીજા દિવસે તેનો ચુકાદો જાહેર કરી દેવાનો રહેશે અને તે ચુકાદો અપલોડ પણ કરી દેવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા મહત્ત્વના નિર્દેશો
- જો કોઈ કેસમાં જજમેન્ટ કે ઓર્ડર રિઝર્વ (અનામત) રખાય તો વધુમાં વધુ ત્રણ મહિનામાં તેનો ચુકાદો જાહેર કરી દેવાનો રહેશે.
- નિયમિત જામીન, આગોતરા જામીન, કસ્ટડીમાં રહેલા આરોપીઓની અપીલો અને ડેથ રેફરન્સ જેવા કેસોમાં વધુ ઝડપથી નિર્ણય આપવા પડશે.
- જામીન અરજીઓમાં શકય હોય તો એ જ દિવસે આદેશ જાહેર અને અપલોડ કરવો પડશે અને જો તેમાં ચુકાદો અનામત રખાય તો, બીજા દિવસે તે જાહેર અને અપલોડ ફરજિયાતપણે કરવાનો રહેશે.
- કસ્ટડીમાં રહેલા આરોપીને જામીન, સજા સ્થગિત કરવાના આદેશ અથવા તેને નિર્દોષ જાહેર કરવાના ચુકાદા જાહેર કરવાની સાથે જ જેલ સત્તાધિકારીઓ અને ટ્રાયલ કોર્ટને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
- આવા કેસોમાં આરોપીને શક્ય હોય તો એ જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે મુક્ત કરવાની કાર્યવાહી કરવી પડશે.
- આરોપી જો જેલમાં હોય અને તેના જામીન મંજૂર કે નામંજૂર થાય તો તેને તાત્કાલિક જેલમાં જાણ કરવાની રહેશે.
- હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલ હુકમના અનુસંધાનમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પાલન કરાયા અંગેનો રિપોર્ટ હાઈકોર્ટને કરવાનો રહેશે.
- ક્રિમિનલ અપીલો, ડેથ રેફરન્સમાં ચુકાદો રિઝર્વ કરાય અને આરોપી કસ્ટડીમાં હોય અને જો કેસમાં કોઈ સ્પષ્ટતા કે પૃચ્છા કરવી હોય તો હાઇકોટ વકીલ પાસેથી જજમેન્ટ રિઝર્વ રખાયાના ૭ દિવસમાં આ સ્પષ્ટતા માંગી શકશે.
- અન્ય કેસોમાં હાઇકોર્ટ ચુકાદો અનામત રખાયાના એક મહિનામાં આવી સ્પષ્ટતા માંગી શકશે.
- જો કોઈ કેસમાં હાઈકોર્ટને એવું જણાય કે, જજમેન્ટ જાહેર કરવામાં વિલંબ થવાથી પક્ષકારોને અન્યાય થાય તેમ છે અને અર્જન્ટ ઓર્ડરની જરૂરિયાત છે તો, હાઇકોર્ટે ઓપરેટિવ ઓર્ડર જાહેર કરવાનો રહેશે અને બાદમાં કારણો સાથેનું જજમેન્ટ ૭ દિવસ અથવા મહત્તમ ૧૫ દિવસમાં આપવાનું રહેશે.
- ઓપન કોર્ટમાં જે ચુકાદો જાહેર (પોનાઉન્સ) કરાય તે ૨૪ કલાકમાં જ વેબસાઈટ પર અપલોડ કરી દેવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશોના પાલન માટે જવાબદારી પણ નક્કી કરી
- સુપ્રીમ કોર્ટેની માર્ગદર્શિકા અનુસાર જો કોઈ અનામત ચુકાદો ત્રણ મહિના સુધી જાહેર ન થાય તો સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મુકવાનો રહેશે.
- ચીફ જસ્ટિસ એવા કેસમાં મહત્તમ બે સપ્તાહનો વધારાનો સમય આપી શકશે.
- જો તેમ છતાં ચુકાદો જાહેર નહીં કરાય તો, સમગ્ર કેસ અન્ય બેંચને રિફર કરી દેવાનો રહેશે.
- ઓપન કોર્ટમાં જજમેન્ટનો ઓપરેટિવ ઓર્ડર જાહેર કરી દેવાય અને કારણો સાથેનો ચુકાદો ૭ દિવસમાં કે મહત્તમ ૧૫ દિવસમાં અપલોડ ના કરાય તો, પક્ષકારો ચીફ જસ્ટિસને અરજી કરી શકશે.
- જજમેન્ટના ફોર્મેટમાં તારીખ સહિતની વિગતો ફરજિયાત દર્શાવવી પડશે
- જજમેન્ટની સર્ટિફાઇડ કોપીમાં જજમેન્ટ કઈ તારીખે રિઝર્વ રાખ્યું ?, ચુકાદો જાહેર કર્યો એ તારીખ અને ચુકાદો અપલોડ ક્યારે થયો તે તારીખ ફરજિયાતપણે દર્શાવવાની રહેશે.
- ઓપન કોર્ટના ઓર્ડર ૨૪ કલાકમાં વેબસાઇટ પર મૂકવા અનિવાર્ય; જામીન આપ્યાના બીજા જ દિવસે જેલમાંથી મુક્ત કરવા કાર્યવાહી કરવી પડશ.
- જો ૩ મહિનામાં ચુકાદો ન આવે તો રજિસ્ટ્રાર જનરલે ચીફ જસ્ટિસને જાણ કરવાની રહેશે, વધુ વિલંબ થાય તો કૈસ અન્ય બેંચને સોંપાશે.
આ માર્ગદર્શિકા (Guidelines) સુપ્રીમ કોર્ટ દ્વારા મે ૨૦૨૬માં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન જારી કરવામાં આવી હતી.
કેસની પૃષ્ઠભૂમિ (Background)
- કેદીઓની અરજીઓ: આ આદેશ કોઈ એક સામાન્ય નીતિગત ચર્ચાનું પરિણામ નથી, પરંતુ ઝારખંડની જેલોમાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા કેદીઓની પીડામાંથી ઉદ્ભવ્યો છે.
- આ કેદીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે તેમની અપીલો પર હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગયાને વર્ષો વીતી ગયા છે, પરંતુ હાઈકોર્ટ દ્વારા ચુકાદાઓ અનામત (Reserved) રાખીને હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
- ન્યાયિક મોનિટરિંગ: આ ગંભીર બાબતની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે વિવિધ હાઈકોર્ટોમાં પેન્ડિંગ રહેલા અનામત ચુકાદાઓનો ડેટા મંગાવ્યો હતો અને વ્યાપક વિશ્લેષણ કરાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટનું વલણ અને કલમ-૧૪૨ નો ઉપયોગ
- મૂળભૂત અધિકારનું હનન: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે "ચુકાદામાં વિલંબ એ ન્યાયના મૂળ હેતુને નિષ્ફળ બનાવે છે" અને તે ભારતીય બંધારણની કલમ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે.
- બંધારણીય સત્તા: આ સમસ્યાનો કોઈ કાયમી અને કડક વહીવટી ઉકેલ ન હોવાથી, સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ-૧૪૨ હેઠળ મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને તમામ હાઈકોર્ટો માટે આ બાઈન્ડિંગ (ફરજિયાત) ગાઈડલાઈન જાહેર કરી છે.


Welcome to the CRIMESPOT, please don't spam in comments.